લંડન

યુનાઇટેડ કિંગ્ડમ, લંડન

શનિવારે સાંજે પાંચ વાગ્યાની મારી ફલાઇટ હતી અને ત્રણ વાગ્યા આસપાસ એરપોર્ટ પહોંચવાનું હતું. બે-ત્રણ અઠવાડિયા પહેલા બનેલા એક પ્લાન મુજબ અમારાં પોએટ્રી ગ્રુપ (એ લોકો સાથે ત્યારે બહુ તાજી ઓળખાણ થઈ હતી)નાં એક મિત્ર માટે એ બપોરે ફેરવેલ ગોઠવાયો હતો તેમાં હું સવારે જવાની હતી અને પછી ત્યાંથી એરપોર્ટ. જેનાં ઘરે મળવાનાં હતાં એ મિત્રનું ઘર એરપોર્ટથી ઓછામાં ઓછી કલાકની દૂરી પર હતું. શરૂઆતમાં એક મિત્ર સાથે એમ વાત થઇ હતી કે, અમે ઝિપકાર હાયર કરીને સાથે જઈશું અને પછી ત્રણેક વાગ્યે એ મને એરપોર્ટ છોડી જશે. પણ, પછી તેને ત્યાં લાંબું રોકાવાની ઈચ્છા હતી એટલે મારે પોતાનાં માટે એરપોર્ટ સુધીની કઈંક વ્યવસ્થા જાતે કરવી પડે તેમ હતી. આગલાં અઠવાડિયાનાં નાટકો પછી મારે જીવનમાં કોઈ જ નકામી દોડાદોડી નહોતી જોઈતી અને બધું બને તેટલું સરળ રાખવું હતું. વળી, લોકોને મળવાની મને એવી કોઈ ઈચ્છા પણ નહોતી એટલે મેં હેન્ગઓવર અને બિમારીનું બહાનું કરીને ત્યાં જવાનું ટાળ્યું. સમયસર એરપોર્ટ પહોંચી.

બ્રિટિશ એરવેઈઝમાં મારી પહેલી સફર હતી એટલે ફલાઇટમાં અંદર જઈને થોડું નવાં ઇન્ટિરિયરમાં મન પરોવાયું હતું. સીટ્સ પાસે – બારી નીચે લગભગ એક વેંતની પાળીની માફક ગોઠવેલાં લાંબા ઊંડાં કન્ટેઇનર હતાં જે મને બહુ કૂલ લાગ્યાં હતાં. તેમાં હૅન્ડબૅગ, મારી નાની કૅમેરા-બેગ જેવી ચીજો આરામથી સમાઈ જાય એટલે પગ પાસે આગળની સીટ નીચે કઈં રાખવું ન પડે. જગ્યાનો ઇન્ટેલીજન્ટ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવસ પણ સુંદર હતો, આકાશ સ્વચ્છ હતું. શહેર, બ્રિજ અને દરિયાનો લાજવાબ વ્યુ દેખાઈ રહ્યો હતો. મને થોડી મજા આવવા માંડી. પણ ઓવરઑલ વિચિત્રતાની લાગણી યથાવત હતી. મારાં પેરેન્ટ્સ પણ ત્યાં આવવાનાં હતાં એટલે અમે બધાં સાથે અમારાં ફેમિલી-ફ્રેન્ડ્સનાં ઘરે રહેવાનાં હતાં. એમને હું વર્ષો પછી મળવાની હતી એટલે મને ખબર નહોતી કે શું એક્સ્પેકટ કરવું અને શું નહીં. લંડન જવાનો અને નવી જગ્યા જોવાનો પુરો ઉત્સાહ હતો પણ લોકોને મળવાનો જરા પણ નહીં. નકામું ખુશ દેખાવાનું અને બધાં સાથે હસીને વાત-ચીત કરવાનું વિચારીને જ મને કંટાળો આવતો હતો.

લંડન એરપોર્ટ પર લેન્ડ થતાં પણ થોડી કમાલ થઇ. બોર્ડર પ્રોટેક્શન કાઉન્ટર પર પહોંચી ત્યાં એક અંકલને કદાચ મારો કેસ થોડો વિચિત્ર લાગ્યો હશે. હું ભારતીય, મારો પાસપોર્ટ ઓસ્ટ્રેલિયન, મારું ઘરનું સરનામું અમેરિકાનું, યુકેની બોર્ડર પાર ઊભી હતી હતી અને ત્યાં મારાં પેરેન્ટ્સને મળવાની હતી જે ઇન્ડિયાથી ત્યાં આવ્યાં હતાં. આ તો મારાં નસીબ સારાં હતાં કે, ઊડવાનાં પાંચેક મહિના પહેલાં મેં મમ્મીને અમારાં હોસ્ટ અંકલ-આન્ટીનું સરનામું પૂછ્યું હતું એ મને યાદ હતું અને એ મેસેજ વૉટ્સએપ પર યથાવત હતો જે હું શોધી શકી. બાકી મારી પાસે ફોર્મમાં ડિક્લેર કરવા માટે કોઈ એડ્રેસ જ ન હોત! કાઉન્ટર પર ફોર્મ આપ્યું ત્યાં અંકલે થોડી પૂછપરછ ચાલુ કરી. શરૂઆતમાં તો એ ઇન્વેસ્ટીગેશન હતું પણ લગભગ દસ મિનિટમાં એ પંચાતમાં બદલાઈ ગયું. એ અંકલ પણ મૂળ રાજકોટનાં હતાં એટલે તેમણે તો પેરેન્ટ્સ ક્યાં રહે છેથી માંડીને પપ્પા કઈ સ્કૂલમાં ભણ્યાં ત્યાં સુધીનું બધું પૂછી લીધું! મેં મનમાં કહ્યું આ ભાઈ હવે જન્મનું સ્થળ ને સમય પૂછીને કુંડળી ન બનાવે તો નવાઈ!

એરપોર્ટથી બહાર તો હું સમયસર નીકળી ગઈ હતી. મારાં પેરેન્ટ્સ લગભગ ચારેક દિવસ પહેલાં ત્યાં પહોંચી ગયા હતાં એટલે એ લોકો અને અમારાં હોસ્ટ અંકલ તથા તેમનો દીકરો મને લેવા આવવાનાં હતાં. બહાર નીકળીને લગભગ ત્રણેક અલગ અલગ નંબર પર મેં તેમને વૉટ્સએપ મેસેજ મોકલ્યાં અને એકેમાં ડિલિવરી ટિક નહોતું દેખાતું. મને તેમનો કોન્ટેક્ટ કેમ કરવો તેની થોડી ચિંતા થઇ પણ અંતે કોન્ટેક્ટ થઇ ગયો અને લગભગ 45 મિનિટ પછી એ લોકો એરપોર્ટ મને લેવા માટે આવી ગયા હતાં. મમ્મી ખૂબ ખુશ હતી અને તેની ખુશીનું અડધું એકસાઈટમેન્ટ મને માંડ હતું, જે વિષે હું ખૂબ ગિલ્ટી ફીલ કરી રહી હતી. અમારાં હોસ્ટ અંકલનો દીકરો ફ્રીવે પર એ દિવસે પહેલી વાર કાર ચલાવી રહ્યો હતો. થોડી વારમાં તેમની વચ્ચે ડરાઇવિંગ બાબતે માથાકૂટ થવા લાગી અને અંકલ અને દીકરામાંથી કોણ ખોટું છે એ વિષે મને પૂછવામાં આવતું. શરૂઆતમાં તો હું જે સત્ય હોય તેનાં પક્ષમાં થોડું બોલતી પણ દિવસનાં અંત સુધીમાં મને સમજાઈ ગયું કે આ માથાકૂટમાં પાડવા જેવું નથી. અમે એકાદ ખોટો ટર્ન પણ લીધો અને અંતે તેમનાં ઘરે પહોંચ્યા.

લંડનમાં ઘણું બધું ઑસ્ટ્રૅલિયાની યાદ અપાવી રહ્યું હતું. આપણી ભારતીય મહેમાનગતિ પ્રમાણે અમારાં હોસ્ટ અને મારાં પૅરેન્ટ્સ પણ ખૂબ ઊમળકાથી મારી સાથે વાત કરી રહ્યાં હતાં પણ, જેટલેગ અને પેલી વિચિત્ર લાગણી બંનેનાં કારણે હું જાણે જંગલનું કોઈ પ્રાણી અચાનક શહેર આવી ચડ્યું હોય તેવું અનુભવી રહી હતી. મને કોઈ સાથે બહુ વાત કરવાનું મન નહોતું થતું. પણ, સ્વાભાવિક રીતે જ આપણને કોઈએ પ્રેમથી તેમનાં ઘરે બોલાવ્યાં હોય ત્યારે આપણે ઓછાંમાં ઓછું તેમની સાથે હસીને સારી રીતે વાત તો કરી જ શકીએ. ત્યાં સબ ટીવી ચાલુ હતું અને ઘરની ગોઠવણ એવી હતી કે, ઘર એકદમ રાજકોટનું જ લાગતું હતું. થોડી વારમાં અમે બહાર જવા માટે નીકળ્યાં. તેમનું ઘર વેમ્બ્લીમાં હતું. વિદેશમાં આટલી હદનું ભારતીય વાતાવરણ મેં પહેલી વાર જોયું હતું એટલે હું થોડી વાર તો જોતી જ રહી. કેટલી બધી સાડીની દુકાનો અને ઘરેણાંની દુકાનો અને કરિયાણાની દુકાનો!

ઑસ્ટ્રેલિયાથી નીકળ્યાંબાદ લગભગ એક વર્ષ પછી પહેલી વખત મેં ‘નાન્ડોઝ’નો સ્વાદ માણ્યો. ઘરે પાછાં ફર્યા પછી અમે પછીનાં દિવસનો થોડો પ્લાન બનાવ્યો અને પછી ઊંઘવા તરફ પ્રયાણ કર્યું. રાત્રે સાડા નવ-દસ સુધી પણ સૂર્યપ્રકાશ રહે તેવું મેં પહેલી વખત જોયું હતું. એ થોડું વિચિત્ર લાગ્યું હતું પણ ધીરે ધીરે તેની આદત પડી ગઈ હતી. મારી પાસે એ વખતે થોડી જ રજા હતી એટલે બાકીનો અડધો સમય મેં ‘રિમોટ વર્ક’ ચાલુ રાખ્યું હતું. લગભગ સાંજે 8-9 વાગ્યા પછી મધરાત સુધી હું થોડું કામ કરતી. એ એટ લીસ્ટ થોડો સમય માટે લોકો સાથે વાત ન કરવી પડે એ માટેનું સારું બહાનું પણ હતું. એ મારો ‘me time’ હતો. કામ ખતમ કરીને પણ હું લગભગ ચારેક વાગ્યા સુધી ઊંઘી નહોતી શકી. બીજા દિવસે સવારે ઊઠી ત્યારે લગભગ અગિયાર વાગ્યા હતાં અને અમે નાહીને તૈયાર થયાં ત્યાં સુધીમાં મોટાં ભાગનો દિવસ જતો રહ્યો હતો.